Sunday, February 14, 2010

ઇડિયટ મત બનો - ડોન્ટ ક્વિટ Ajay Umat
આજકાલ ‘૩ ઇડિયટ્સ’ નામની આમિર ખાનની ફિલ્મમાં એક ‘ઇડિયટ... આઇ ક્વિટ’ કહીને આત્મહત્યા કરે છે. આ ફિલ્મના પ્રભાવમાં દેશમાં સંખ્યાબંધ બાળકોએ ‘કોપી કેટ સ્યૂસાઇડ’ કર્યા છે...દુનિયાના તમામ સફળ મહાનુભાવોએ નિષ્ફળતાનો અનુભવ લીધો હશે. નિષ્ફળતા એ સફળતાની પૂર્વશરત છે. જિનિયસ કદી નિષ્ફળતાથી ડરતા નથી. જિનિયસ માટે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી.નિષ્ફળતા એ સફળતાની પહેલી સીડી છે.

દુનિયાભરને લોકશાહીની સાચી વ્યાખ્યા આપનાર અમેરિકાના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને મળેલી નિષ્ફળતાનો અભ્યાસ રસપ્રદ છે. લિંકન પોતાની રાજકીય કારકિર્દીમાં આઠ વખત ચૂંટણી હાર્યા હતા. ધંધો કરવામાં બે વખત નિષ્ફળ નીવડ્યા અને દેવાળું કાઢવાની નોબત આવી.


એક વખત ભયંકર ડિપ્રેશનમાં આવ્યા અને નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા. અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા લિંકનના પિતાને દેવું ચૂકવવા મકાન વેચવાની નોબત આવી હતી. ઝૂંપડપટ્ટીમાં રહેવાનો વારો આવ્યો હતો. ૧૮૩૧માં લિંકને ધંધો કરવા પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયા. બીજા વર્ષે ચૂંટણીમાં ઊભા રહ્યા અને હાર્યા, એટલું જ નહીં પરંતુ મળેલી નોકરી પણ ગુમાવવી પડી.


૧૮૩૩માં ફરી ધંધો કરવા મિત્ર પાસેથી ઉધાર રૂપિયા લીધા અને બાર મહિનામાં દેવાળું કાઢ્યું. આ ઉધારી અને વ્યાજ ચૂકવવા લિંકનને ૧૭ વર્ષ લિટરલી વૈતરું કરવું પડ્યું. ૧૮૩૪માં લિંકન પહેલીવાર ચૂંટણી જીત્યા. ૧૮૩૫માં લગ્ન કરી ઠરીઠામ થવા સગાઈ કરી પરંતુ પ્રિય પ્રેયસીનું અવસાન થતાં હૃદયભગ્ન લિંકનને ડિપ્રેશનની માનસિક બીમારી થઈ.


છ મહિના પથારીવશ રહ્યા. ૧૮૩૮માં સ્પીકર (અઘ્યક્ષ) બનવા ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ હાર્યા. ૧૮૪૦ની ચૂંટણીમાં ઇલેક્ટરના પદ માટે, ૧૮૪૩માં કોંગ્રેસમાં પુન: હાર્યા, ૧૮૪૬માં જીત્યા અને વોશિંગ્ટનમાં તેમની કામગીરી વખણાઈ પરંતુ ઘરઆંગણે ૧૮૪૮માં પુન: હાર્યા. ૧૮૪૯માં લેન્ડ ઓફિસરની જોબ માટે રિજેક્ટ થયા.


મેધાવી પ્રતિભા ધરાવતા લિંકનને બેકારી ભોગવવાનો વારો આવ્યો હતો. ૧૮૫૪માં સેનેટની ચૂંટણી હાર્યા બાદ લિંકને ૧૮૫૬માં વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પક્ષમાં દાવો કર્યો ત્યારે લિંકનની તરફેણમાં ૧૦૦ ટેકેદારો પણ સમર્થન માટે મોજૂદ નહોતા. ૧૮૫૮માં લિંકન પુન: સેનેટની ચૂંટણી લડ્યા અને હાર્યા પરંતુ થાક્યા નહીં.


૧૮૬૦માં લિંકને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવી અને અમેરિકાના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ બન્યા, કારણ ! લિંકન ડીડ નોટ ક્વિટ...


આત્મહત્યા એ પલાયનવાદની ચરમસીમા છે પરંતુ સમય અને સંજોગો વિપરીત હોય ત્યારે બાળકથી માંડીને વૃદ્ધ નબળી ઘડીએ મહામૂલી જિંદગી વેડફી નાખે છે.


જીવન એક પડકાર છે જેને ઝીલવો જોઈએ. જીવન એક રમત છે એને ખેલદિલીથી રમવી જોઈએ. મને મળી નિષ્ફળતા અનેક, જેથી હું થયો જીવનમાં સફળ કૈંક.... એ ઉક્તિને માત્ર લિંકન જ નહીં વિશ્વના અનેક મહાપુરુષોએ સાર્થક કરી છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરને હંફાવનાર અને બ્રિટન માટે શ્રેષ્ઠ વોરટાઇમ લીડર પુરવાર થનાર વિન્સ્ટન ચર્ચિલે ઇતિહાસની તરાહ બદલી નાખી હતી.


તેજાબી ભાષણ, ઝંઝાવાતી લડાઈ, અવનવી વ્યૂહરચનાઓ અને વાક્પટુતા માટે જગમશહૂર ચર્ચિલ છઠ્ઠા ધોરણમાં નપાસ થયો હતો. ચર્ચિલમાં અક્કલ નથી માટે એને ફેક્ટરીમાં મજૂરી માટે મોકલો એવો કટાક્ષ કરનારા શિક્ષકને ખબર નહોતી કે ૨૫ વર્ષ બાદ એ જ વિદ્યાર્થી બ્રિટન નહીં સમગ્ર યુરોપ માટે મસીહા સાબિત થશે.


ચર્ચિલ સ્કૂલમાં અળવીતરાં હતા, શિક્ષકો સાથે દલીલો કરતા ક્યારેક વાક્યુદ્ધમાં ઊતરી જતા. ચર્ચિલના પિતાને શિક્ષકોનો ઠપકો સાંભળવો પડતો, પરંતુ ચર્ચિલનાં ભાષણો ત્યારબાદ દુનિયાભરના લોકો સાંભળતા. વીજળીના બલ્બની શોધ કરનારા થોમસ આલ્વા એડિસન માત્ર વિજ્ઞાની જ નહીં બેન ફ્રેન્કલીનની માફક ૧૯મી સદીના શ્રેષ્ઠ સંશોધક હતા.


વીજળીનો બલ્બ બનાવવા માટે ૨૦૦૦ પ્રયોગો કર્યા બાદ સફળતા મેળવનાર થોમસ એડિસન નિષ્ફળતાથી કદી હતાશ નહોતા થતા. એડિસને ૧૦૯૩ પેટન્ટ મેળવી હતી. બલ્બ ઉપરાંત ફોનોગ્રાફ અને કાઇનેટોસ્કોપ શોધનાર એડિસને ટેલિગ્રાફ પદ્ધતિને ઝડપી બનાવી હતી. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના ટેલિફોનની ડિઝાઇન સુધારીને ગ્રાહકને વાપરવામાં વધુ સુલભ બનાવી હતી.


સખત પરિશ્રમી વિજ્ઞાની મનાતા એડિસન કહેતા કે, ‘જિનિયસ બનવા એક ટકો પ્રેરણા અને ૯૯ ટકા પરિશ્રમ-પરસેવો જરૂરી છે. એડિસનને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર અમેરિકાએ એક મિનિટ માટે લાઇટ્સ બંધ કરી હતી, પરંતુ આ એડિસન જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે વિજ્ઞાનના શિક્ષકે દલીલ કરવા સબબ ‘સ્ટુપીડ’ કહીને વર્ગની બહાર કાઢી મૂક્યો હતો અને મજાક ઉડાવી હતી.


આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ટાઇમ મેગેઝિને ‘મેન ઓફ ધ સેન્ચૂરી’નો ખિતાબ આપ્યો હતો. દુનિયાને થિયરી ઓફ રિલેટિવિટી શિખવાડનાર આઇન્સ્ટાઇનના ફળદ્રુપ ભેજાને તબીબી વિજ્ઞાને અભ્યાસ માટે સંઘરી રાખ્યું છે, પરંતુ ૧૫ વર્ષના આઇન્સ્ટાઇનને સ્કૂલમાંથી ‘ડફોળ’ વિદ્યાર્થી તરીકે હાંકી કાઢવામાં આવ્યો હતો.


આઇન્સ્ટાઇનને સ્કૂલના જડ નિયમો અને શિસ્તના દુરાગ્રહ પસંદ નહોતા. આઇન્સ્ટાઇનના પિતા જ્યારે સ્કૂલના શિક્ષકો કે હેડમાસ્તરને મળતા ત્યારે બાપ અને દીકરાની ક્રૂર મજાક-મશ્કરી કરાતી. શિક્ષકો કહેતા કે આ અક્કલમાઠો ઠોઠ નિશાળિયો દુનિયામાં શું ઉકાળશે ?


આ આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટીએ વિજ્ઞાન જગતમાં ક્રાંતિ આણી છે. પરમાણુબોંબના નાગાસાકી-હીરોશિમા પરના પ્રયોગોએ જાપાનને શરણાગતિની ફરજ પાડી અને યુદ્ધનું પલ્લું અમેરિકાની તરફેણમાં ઝૂકી ગયું.


સ્મરણ રહે જિનિયસ કદી નિષ્ફળતાથી ડરતા નથી. જિનિયસ માટે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી. થોમસ એડિસન એમ નથી કહેતો કે બલ્બ શોધવાના ૧૮૦૦ પ્રયોગો નિષ્ફળ નીવડ્યા. એડિસન કહે છે કે બલ્બ ન બની શકે એવી ૧૮૦૦ પદ્ધતિનો મને અંદાજ આવી ગયો...


નિષ્ફળતા જાણે સફળતાનો માર્ગ ખોલી આપે છે. નેપોલિયન બોર્નાપાટ માનતો હતો કે નિષ્ફળતા એ તો સફળતાની પૂર્વશરત છે. નેપોલિયનની વ્યૂહરચના આપત્તિને અવસરમાં પલટી નાખવાની, ખામીને ખૂબીમાં ફેરવવાની હતી. અમેરિકન સેલ્સગુરુ ટોમ હોપ્કીન્સ કહે છે કે તમે કેટલી વાર સફળ થયા એના આધારે તમારું પરફોર્મન્સ મપાય છે, નિષ્ફળતાને કોઈ ગણતું નથી, ગણકારતું નથી.


નિષ્ફળતા વાવવાથી સફળતા ઊગી નીકળે છે. નિષ્ફળતા એ કાંઈ બ્લેક હોલ નથી. નિષ્ફળતા કાયમી નથી. નિષ્ફળતા શબ્દ પેન્સિલથી લખાય છે અને રબરથી ભૂંસી શકાય છે. નિષ્ફળ થવાની તક દરેકને પ્રાપ્ત થતી નથી. સફળતાને અંત નથી હોતો. નિષ્ફળતાનો અંત નિશ્વિત છે. નિષ્ફળતા એ પડાવ છે. સફળતા એ યાત્રા છે. પ્રત્યેક સફળ વ્યક્તિ સાર્થક નથી હોતી.


નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જાપાનીઝ કાઝીકામી પાઇલટ્સ (મરણિયા શહીદ થવા સર્જાયેલા) દુશ્મનો સાથે સ્યૂસાઇડ મિશન માટે માથે કફન બાંધીને ઊડતા ત્યારે દેશભક્તિનાં ગીતો લલકારતા અને દુશ્મન રાષ્ટ્રને મહત્તમ નુકસાન કરવાની ગણતરી સાથે ડેન્જરસ મિશન હાથ ધરતા, પરંતુ મોત સામે બાથ ભીડવાની હિંમતને કારણે મોટા ભાગના જીવતા પાછા આવતા.


દુનિયાભરને કાટૂર્ન નેટવર્કનું ઘેલું લગાડનાર વોલ્ટ ડિઝનીને એક અખબારના તંત્રીએ સર્જનાત્મકતાના અભાવ બદલ ભગાડી મૂક્યો હતો. વોલ્ટ ડિઝનીની પહેલી કાટૂર્ન પ્રોડક્શન કંપનીએ દેવાળું ફૂંકવું પડ્યું હતું.


પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં અનોખું સ્થાન અપાવનાર શ્રેષ્ઠ મ્યુઝિક કમ્પોઝર બીથોવનને એના મ્યુઝિક ઇન્સ્ટ્રક્ટર આંગળીઓ પર સોટીઓ ફટકારતા હતા. બીથોવનમાં કમ્પોઝિંગ કરવાની આવડત તો દૂર રહી પિયાનો શીખવાની ક્ષમતા પણ નથી એવી ટિપ્પણી સંગીત શિક્ષકે કરી હતી.


બીથોવન સંગીત શીખતા ત્યારે કી-બોર્ડ પર આંગળીઓની ઝડપ કરતાં વધુ ગતિથી આંખમાંથી આંસુઓ પડતાં હતાં. આ બીથોવન દુનિયાના શ્રેષ્ઠ કમ્પોઝર મનાય છે એટલું જ નહીં બંને કાનમાં સંપૂર્ણ બહેરાશ આવ્યા બાદ પણ તેમણે શાસ્ત્રીય સંગીતમાં શ્રેષ્ઠતમ પ્રદાન આજીવન ચાલુ રાખ્યું હતું.


સર આઇઝેક ન્યૂટને આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોથી માંડીને કેલ્ક્યુલસ, ગણિતના નિયમો, કલર થિયરી, ટેલિસ્કોપ સહિત ગણિત અને વિજ્ઞાનના સંખ્યાબંધ સિદ્ધાંતો આપનાર ન્યૂટનની બાર વર્ષની ઉંમરે સ્કૂલમાંથી નબળા અભ્યાસને કારણે હકાલપટ્ટી થઈ હતી.


ન્યૂટનની વિધવા માતાને સ્કૂલના સ્ટાફરૂમમાં હેડમાસ્તરે શરમજનક સ્થિતિમાં મૂકી દીધાં હતાં, પરંતુ ત્યારબાદ ન્યૂટન ટોપર બની ગયા. સેક્સી સિમ્બોલ મનાતી મેરેલીન મનરોને એક નિર્માતાએ મોડેલિંગ કે હોલિવૂડના ખ્વાબો છોડીને પરણી જવાની કે સ્ટેનો બનવાની સલાહ આપી હતી.


સમગ્ર બોલિવૂડ જેના અવાજને સલામ કરે છે એ એક્ટિંગના શહેનશાહ અમિતાભ બચ્ચન આકાશવાણીના ઓડિશન ટેસ્ટમાં નાપાસ થયા હતા. (કે કરાયા હતા ?) વોર એન્ડ પીસ, અન્ના કેરનિના જેવી ક્લાસિક નોવેલ વિશ્વને પ્રદાન કરનાર લીઓ ટોલ્સટોયને કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા હતા.


પાબ્લો પિકાસો જેવા શ્રેષ્ઠ પેઇન્ટર અને સ્કલ્પટરને દશ વર્ષની ઉંમરે શિક્ષકોની ખફગી વહોરવી પડી હતી. પાબ્લોના સ્પેનિશ પિતાએ ઘેર ભણાવવા માટે શિક્ષકની નિમણૂક કરી, પરંતુ પાબ્લોની અભિરુચિ અને ક્ષમતા ન પારખી શકનાર શિક્ષકે હતાશા સાથે વિદાય લેતા કહ્યું કે આ વિદ્યાર્થી જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ નહીં થાય.


સ્ટીવન સ્પીલબર્ગ જેવા શ્રેષ્ઠ નિર્માતાને ઠોઠ વિદ્યાર્થી તરીકે હેડમાસ્તરે તગેડી મૂક્યો. મહિના પછી માનસિક વિકલાંગની કેટેગરીમાં સ્પીલબર્ગે એડમિશન મેળવ્યું અને ફરી એક મહિનામાં સ્કૂલે વિદાય સમારોહ ગોઠવી દીધો. વિશ્વવિખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઇકલ જોર્ડનને સ્કૂલની ટીમમાં પણ સમાવાયો નહોતો.


સમગ્ર દુનિયાના કોમ્પ્યૂટરમાં આજે ‘વિન્ડોઝ’ સોફ્ટવેર ચાલે છે. ૧૩ વર્ષની ઉંમરે સ્કૂલબોય તરીકે પ્રથમ સોફ્ટવેર પ્રોગ્રામ આપનાર બિલ ગેટ્સને ૩૦ વર્ષ પહેલાં હાર્વર્ડ યુનિવર્સિટીએ હાંકી કાઢ્યો હતો. આજે બિલ ગેટ્સ વિશ્વનો સૌથી ધનાઢ્ય, સૌથી સફળ અને સૌથી મોટો દાતા છે.


દુનિયાના તમામ સફળ મહાનુભાવોએ નિષ્ફળતાનો અનુભવ લીધો હશે.

સફળ થવાનો એક માત્ર ગુરુમંત્ર છે... વિનર નેવર ક્વિટ્સ. ડોન્ટ ક્વિટ. નિષ્ફળતા એ સફળતાની પૂર્વશરત છે. ડોન્ટ બી ઇડિયટ.

પોઇન્ટ ઓફ વ્યૂ
નેવર ગિવ અપ -વિન્સ્ટન ચર્ચિલ

No comments: