Friday, October 29, 2010

છેલ્લે તો આપણે બે જ હોઈશું…

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી  આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 

2 comments:

timsi said...

Wow..reality of life ...nice one.

manish said...

good one ...Tejas

Manish